મોરબી: ગાંધીનગરમાં યોજાયેલા નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપવા જતા મોરબી જીલ્લાના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ હળવદ નજીક બનેલા અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારને સમયસર મદદ કરી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગાંધીનગર ખાતે તા. ૩ અને ૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ નેશનલ કોન્ફરન્સ ઓનલેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જીલ્લાના નાયબ મામલતદારો, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓ પણ તાલીમ માટે ઉપસ્થિત રહેવાના હતા. ત્યારે તા. ૪ ઓક્ટો. ૨૦૨૫ની વહેલી સવારે આશરે ૩:૩૦ વાગ્યે, તાલીમ માટે નીકળેલી રેવન્યુ વિભાગની બસ હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક પહોંચી ત્યારે રોડ પર એક બાઇક સવાર ગાય સાથે અથડાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પડી ગયેલ જોવા મળ્યો. જેથી તુરંત જ બસ ડ્રાઈવરને બસ સાઈડમાં ઊભી રાખી નાયબ મામલતદાર ભરતભાઈ ડોડીયાએ તાત્કાલિક ૧૦૮ ઇમર્જન્સી સર્વિસને કોલ કરીને મદદ માગી હતી. આ દરમિયાન નાયબ મામલતદાર હિતેશભાઈ કુંડારીયાના માર્ગદર્શન હેઠળ તમામ રેવન્યુ કર્મચારીઓએ એકતાથી મળીને ઈજાગ્રસ્તને પ્રાથમિક સહાય પુરી પાડીને રસ્તાથી સુરક્ષિત સ્થાન પર ખસેડ્યો હતો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી કર્મચારીઓ સ્થળ પર હાજર રહી માનવ જીવને બચાવવા પુરેપુરો પ્રયાસ કરતા રહ્યા. અંતે એમ્બ્યુલન્સ પહોંચતાં ઈજાગ્રસ્તને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. રેવન્યુ કર્મચારીઓના આ સમયસરના માનવીય પ્રયાસે માત્ર એક જીવ બચાવી નથી, પરંતુ તેમણે માનવતા મહેકાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે