મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખાનાખરાબી સર્જાઇ છે. જેમાં પણ ભારે વરસાદના કારણે જિલ્લામાં તાલુકાના ગામોમાં તેમજ ટંકારા તાલુકામાં અતિ ભારે વરસાદ પડવાથી ખેતરોમાં ધોવાણ અને પાણી ભરવાના કારણે ખેતીને મોટાપાયે નુકશાન થયું છે. તેમજ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં ખેતીમાં થયેલ નુકસાન અંગે તથા પશુ મૃત્યુ અંગે તાત્કાલીક સર્વે કરીને સહાય આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી વીનંતી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ખેડૂત પુત્ર કુલદીપ ચાવડા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટે વિનંતી કરવામાં આવી છે. ટંકારા તાલુકાના ગામોમાં ખેતીમાં પારાવાર નુકસાન થયું છે. તેથી સરકાર દ્વારા તાકીદે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ટંકારા તાલુકાના ગામોમાં ખરીફ પાક નિષ્ફળ જતાં જગતતાતને કમરતોડ ફટકો પડ્યો છે ત્યારે શિયાળામાં ખેડૂત પાક લઈ શકે તે માટે ખેડૂતના હિતમાં તાકીદે તંત્ર દ્વારા સર્વે કરી સહાયની જાહેરાત કરવામાં આવે તેમજ
વીજ પુરવઠો પૂર્વવત કરવા અને ખેતીમાં થયેલી નુકસાન તેમજ પશુમૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરી મળવાપાત્ર સહાય તાત્કાલિક આપવા ખેડૂત પુત્રએ સી એમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિનંતિ કરી છે.