રાજકોટ હાઈવે નજીક ટંકારા તાલુકાના જબલપુર ગામથી એકાદ કિમી દુર સીમમાં એક પડતર અને વખંભર હાલતમાં અજાયબી જેવું એક ભોયરૂ (વાવ) આવેલ છે. જે લગભગ કોઈને ખબર ન હોય એમ લોકો આ વાવથી સાવ અજાણ છે. લોકવાયકા પ્રમાણે હાલ સાવ અવાવરૂ પડેલા ભોયરાને લોકો સોનવાવથી ઓળખતા હતા.ડાકુ લુંટારાથી બચવા એમાં સોનુ સંઘરાતુ હોવાથી તેનુ નામ સોનવાવ પડયાની લોકવાયકા છે.
આજથી લગભગ પાંચસો વર્ષ પૂર્વે ગામડાનો પૂર્ણ વસવાટ ન હોતો અને લોકો ટીંબામાં વસતા એ સમયે બહારવટીયા અને ડાકુ, લુંટારાની ભારે રંજાડ રહેતી હતી એ સમયે નાણા કે ઝર ઝવેરાત સહિતની થાપણો સાચવી રાખવા ખાસ કોઈ લોકર નહોતા. માલેતુજારોને સતત લુંટારૂ ડાકુઓનો ભય સતાવ્યા કરતો હતો. એ વખતે કહેવાય છે કે, જમા થયેલી પુંજી અનિતીના માર્ગેથી નહી પરંતુ પસીનો નિતારીને રળી હોય અને જુના જમાનાના માણસો પેટે પાટા બાંધીને કમાણી ભેગી કરવાની ટેવ વાળા હતા જેથી ટીંબામાં વસનારા સુખી સંપન્ન લોકો બહારવટીયાથી બચવા સોનુ, ઝવેરાત સહિતની કિંમતી વસ્તુઓ સોનવાવમાં સંઘરતા અને આ માટે જ બહારથી પાણીની વાવ જેવો આકાર આપ્યાના અવશેષો આજે પણ ત્યા જોવા મળે છે. સોનવાવની ભિતરમાં ક્યાંય તિજોરી જોવા ન મળે એ પ્રકારની કિલ્લેબંધી વાળી દિવાલોમાં બારણા જડેલા છે. અહીંયા લેભાગુઓ અને ટુંકા માર્ગેથી લુંટીને હરામનું ધન મફતમાં મેળવી લેવા લાલચુઓ અંધશ્રધ્ધામાં રાત્રે આવી વાવમાં ધન ઝવેરાત હજુ સંઘરાયેલુ પડયાનુ માની લાલચમાં વાવ ખોતરી હોવાના પ્રમાણ જોવા મળે છે. તંત્ર દ્વારા સંશોધનાત્મક અભ્યાસ કરી અને પુરાતત્વ વિભાગ યોગ્ય જાળવણી કરે તો અહીંયા કુદરતી આહલાદક વાતાવરણમાં લોકો માટે પર્યટન સ્થળ બની શકે એમ છે.
અમે આ અંગે અનેકોનેક જાણકાર અને ઈતિહાસમાં રૂચી રાખનાર ને રૂબરૂ મળી આ વાવ નો ઈતિહાસ ખોજવા પ્રયત્ન કર્યો હતો જેમા મોરબી રજવાડું આ વાવ થી વાકેફ હોવાની કડી મળી આવી હતી અને મોરબી નામદાર દ્વારા આ કાર્ય થયુ હોવાનું જાણવા મળ્યું છે.