પાટીદાર અનામત આંદોલન દરમિયાન યુવાનોના વિરોધ વચ્ચે હિંસા વકરી હતી અને સરકારી સંપતિઓને નુકશાન થયું હતું. જેને લઇને વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના અનેક લોકો સામે રાજદ્રોહનો કેસ કરાયા હતાં. જે કેસ હાલ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે જેથી ટ્વીટ કરીને હાર્દિક પટેલે માહિતી આપતા રાજ્યમાં મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ટ્વીટ કરી રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો કર્યા હતા જે પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. અને પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી છે અને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો છે તેમ પણ ટ્વીટ મારફતે જાહેર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.