નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારનું આજરોજ બજેટ ૨૦૨૪ રજૂ કર્યું હતું. જે બજેટમાં સમગ્ર ગુજરાતમાં વકીલોમાં કલ્યાણ અર્થે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કરવામાં આવી છે. જે રકમની ફાળવણીને લઇને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વકીલ (લીગલ) સેલે ગુજરાતના મુખ્યમંત્રી,નાણાં મંત્રી અને કાયદા મંત્રીનો આભાર માન્યો હતો.
સમગ્ર ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોમાં કલ્યાણ અર્થે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. તત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમવાર ગુજરાત બાર કાઉન્સિલને બે કરોડ પંચિસ લાખ ઇ-લાયબ્રેરી માટે ફાળવ્યા હતાં. ત્યાર બાદ દર વર્ષ અલગ અલગ રકમ બજેટમાં વકીલોમાં કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. ભાજપ લીગલ સેલના કન્વીનર અને બાર કાઉન્સિલ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે પટેલની સતત માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આજરોજ પાંચ કરોડની રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે ફાળવવામાં આવી છે. જે.જે.પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલિન ડી.પટેલ સહિત બાર કાઉન્સિલ ફોર ગુજરાતની ટીમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર માન્યો હતો.