તા. ૯ અને ૧૦ એટલે કે શુક્ર,શનિ બે દિવસ હળવદ માર્કેટીંગ યાર્ડ બંધ રાખવા લેવાયો નિર્ણય
હળવદ માર્કેટ યાર્ડ સેકેટરી મહેશભાઈ પેટલનાં જણાવ્યા અનુસાર હાલ કોરોના મહામારીએ ભરડો લીધો છે. ત્યારે હળવદ માર્કેટ યાર્ડના મજૂરો, સ્ટાફ તથા વેપારીઓ વાયરલ ઇન્ફેકશનજન્ય બીમારીઓનો ભોગ બન્યા છે. આથી હળવદ માર્કેટ યાર્ડના મોટાભાગના મજૂરો તેમજ વેપારીઓ અને સ્ટાફ રજા ઉપર છે. જેને કારણે યાર્ડમાં હરરાજી અટકી ગઈ છે. એની સામે ઘણા ખેડૂતો પોતાની અનેક ગણી જણસીઓ લઈને માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે પણ હરરાજી થઈ શકતી નથી. આથી હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓએ બે દિવસ સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવા હોદેદારોને રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઈ પેટલે શુક્રવારે અને શનિવારે યાર્ડમાં હરરાજી કાર્ય સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં આવતીકાલે શુક્રવારે અને શનિવાર ઉપરાંત રવિવારે રજા હોવાથી ત્રણ દિવસ બાદ માર્કેટ યાર્ડ સોમવારે શરૂ થશે.
જો કે કોરોનાનો સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સોમવારે શરૂ થનાર હરરાજીમાં પણ સીમિત ખેડૂતોને બોલાવવામાં આવશે. જેમાં જીરુંની જણસીની રોજેરોજ હરરાજી થશે.જયારે વરિયાળી, ધાણા અને ઘઉંની સોમ, મંગળ, બુધવારે હરરાજી થશે અને એરંડા, ચણા સહિતની પરચુરણ અન્ય તમામ જણસીઓની ગુરુ, શુક્ર, શનિવારે હરરાજી થશે.