મોરબી તાલુકાના માળિયા વનાળિયા ગામે છેલ્લાં ઘણા સમયથી પૂરતું પાણી આવતું નથી. જે બાબતને લઈને અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે ૨૬ ફેબ્રુઆરી એ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
મળતી માહિતી અનુસાર, માળિયા વનાળીયા ગામ નવું અસ્તિત્વમાં આવ્યું છે. સરકાર દ્વારા હર ઘર નલ હર ઘર જલ યોજના અમલમાં મુકાય છે. પરંતુ આ ગામમાં પીવાનું પાણી જેટલું આવશ્યક પાણી પણ પૂરું પાડવામાં આવતું નથી. હાલ ૭૦૦ જેટલા લોકો પાણી માટે વલખા મારે છે. અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતું આ ગામમાં કોઈ સરકારી પાણીની પ્રાથમિક સુવિધા નથી અહી પાણીની લાઈન છે પરંતુ ત્યાં અધિકારીઓ દ્વારા પાણી પહોંચાડવામાં ડાંડાઈ કરી જાણી જોઈને બીજા ગામમાં પાણી આપવામાં આવે છે. અને આ ગામને પાણીથી વંચિત રાખવામાં આવે છે. જેની વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ તમામ સભ્યો દ્વારા આગામી તા.૨૬ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે ૧૧:૦૦ કલાકે સામૂહિક આત્મ વિલોપન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.