હળવદના ટીકર રણમાં ગઈકાલે અકસ્માતે કાર પલ્ટી જતા સર્જાયેલ ગંભીર અકસ્માતમાં માળીયાના પોલીસ જવાનનું મૃત્યુ નીપજ્યું હતું આ ગોઝારી ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. ત્યારે આજે શહીદ પોલીસ જવાનનું મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગાડૅ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હળવદના ટીકર રણમાં આવેલ સુરેલ શકિત માતાજી અને વાછડા દાદાના મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા પોલીસ પરિવારને ટીકર રણમાં અકસ્માત નડ્યો હતો.અલ્ટો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી જેને લઈને માળીયા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાન સગરામભાઇ સહિત ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી આથી તેઓને સારવાર અર્થે તાબડતોબ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ પોલીસ જવાન સગરામભાઇને સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં કાળ આંબી જતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને મોરબી જિલ્લા પોલીસ અને પોલીસ જવાન સગરામભાઇના પરિવારમાં આક્રંદ છવાયો છે ત્યારે આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા શહીદ પોલીસ જવાનને ગાડૅ ઓફ ઓનર સાથે સન્માન પુવૅક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી જિલ્લાના એએએસપી અતુલકમાર બંસલ(આઈ.પી.એસ),હળવદ પીઆઇ કે.જે.માથુકીયા, પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા, મોરબી પીએસઆઇ જી.એમ.ડાગર,માળીયા પીએસઆઇ બી.ડી.જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.