મોરબી શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ સારું રહ્યું હતું. જો કે, ત્યારબાદ પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી શહેર-જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ઉભો પાક ધોવાતા જગતનાં તાતની દિવાળી બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આજ રોજ કૃષિ મંત્રીને પત્ર લખી અતિભારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરવા માંગ કરવામાં આવી છે.
ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મારા મતવિસ્તાર ટંકારા, પડધરી, તથા મોરબી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી અંદાજીત ૫ થી ૭ ઈંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક તેમજ કપાસ પાકને નુકસાની થયેલ હોય જે નુકસાનીનું રી-સર્વે કરી ખેડુતોને સહાય આપવા દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ભલામણ કરવામાં આવી છે.