વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે આરોપી પતિએ પોતાની પત્નિની સાથે થયેલી ઘરેલુ તકરારમાં લાકડીથી માર મારી હાથપગ ભાંગી, શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી ગળાટુંપો દઈ મોતને ઘાટ ઉતારી હતી. જે કેસમાં મોરબી કોર્ટ દ્વારા આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, કોટડાનાયાણી ગામે આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેરને પોતાની પત્નિ જાનુબેન ઉર્ફે ભારતીબેન ઉ.વ. આશરે ૫૦ વાળી સાથે તા. 03/11/2018 ને બપોરના અગિયારેક વાગ્યે ઝઘડો તકરાર થતાં લાકડીથી માર મારી હાથપગ ભાંગી, શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી ગળાટુંપો દઇ હત્યા કરી નાખી હતી. જે અંગેની ફરિયાદ ગામના આગેવાન વિજયસિંહ ઉર્ફે ભીખુભા બાલુભા જાડેજા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ તા.05/11/2018 ના રોજ દાખલ કરી હતી. જે કેસ પ્રિન્સીપાલ સેકશન્સ જજ સાહેબની કોર્ટ મોરબી ખાતે ચાલતા કોર્ટમાં 25 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. જે કેસમાં આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેર નાઓને આઈ. પી. સી. કલમ :- ૩૦૨ મુજબના ગુન્હામાં ગુન્હેગાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 60 દિવસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.