Saturday, March 21, 2026
HomeGujaratમહાપાલિકા દ્વારા માર્વેલસ મોરબી ૨.૦ સાથે રૂ.૧૧૩૨ કરોડનું જમ્બો બજેટ રજૂ કરાયું

મહાપાલિકા દ્વારા માર્વેલસ મોરબી ૨.૦ સાથે રૂ.૧૧૩૨ કરોડનું જમ્બો બજેટ રજૂ કરાયું

ગત વર્ષની સરખામણીમાં ધરખમ વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી હેરિટેજ સુધીના વિકાસ કાર્યોને પ્રાથમિકતા.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૧૧૩૨ કરોડનું જમ્બો બજેટ રજૂ કર્યું છે. ‘માર્વેલસ મોરબી ૨.૦’ થીમ હેઠળ રોડ, પાણી, ડ્રેનેજ, ગાર્ડન, હેરિટેજ અને સ્માર્ટ સુવિધાઓ સહિતના અનેક વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને નાગરિકોના ૬૪ સૂચનોનો સમાવેશ કરીને “સિટીઝન્સ બજેટ” પહેલને પણ પ્રોત્સાહન મળ્યું છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું ભવ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષના રૂ.૭૮૩ કરોડના બજેટની સરખામણીમાં નોંધપાત્ર વધારો કરીને રૂ.૧૧૩૨ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ વર્ષનું બજેટ ‘માર્વેલસ મોરબી ૨.૦’ થીમ હેઠળ શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટમાં મૂડી ખર્ચ અંદાજે રૂ.૯૭૪ કરોડ અને મહેસુલી બજેટ રૂ.૧૭૬ કરોડ રાખવામાં આવ્યું છે, જ્યારે રૂ.૧૦.૮૫ કરોડ અનામત તરીકે ફાળવવામાં આવ્યા છે. પાલિકાએ પારદર્શકતા વધારવા “સિટીઝન્સ બજેટ” નામની અનોખી પહેલ કરી, જેમાં નાગરિકો પાસેથી મળેલા ૧૪૯ સૂચનોમાંથી ૬૪ મહત્વના સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

વિકાસ કાર્યોમાં શહેરની કનેક્ટિવિટી સુધારવા રૂ.૫૫ કરોડના ખર્ચે ૬ નવા આઉટગ્રોથ રોડ બનાવવામાં આવશે. ઉપરાંત રૂ. ૭૦ કરોડના ખર્ચે ૨૨ નવા રસ્તાઓ અને જૂના રસ્તાઓનું રીસર્ફેસિંગ હાથ ધરાશે. પાણીની સમસ્યા ઉકેલવા રૂ.૪૯.૫૧ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અપગ્રેડ કરવામાં આવશે, જ્યારે ગટરના પાણીના નિરાકરણ માટે રૂ.૭૮ કરોડના ખર્ચે બે નવા STP બનાવાશે. માર્કેટ રીડેવલપમેન્ટ માટે રૂ.૩૫ કરોડ, વાઇટ ટોપિંગ રોડ માટે રૂ.૩૨.૫૭ કરોડ અને ડ્રેનેજ લાઈન વિકાસ માટે રૂ.૨૧.૯૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. “વોકેબલ મોરબી” પ્રોજેક્ટ હેઠળ રૂ.૨૦ કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગોનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. હેરિટેજ અને પ્રવાસન વિકાસ માટે નહેરુ ગેટથી દરબારગઢ સુધી હેરિટેજ વોક-વે તથા મણીમંદિરમાં ૩-ડી લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાશે. શહેરના ૨૪ સર્કલનું નવીનીકરણ અને ૯ મુખ્ય રસ્તાઓનું બ્યુટીફીકેશન પણ યોજાયું છે. આ સાથે નાગરિકોને હરિયાળુ અને આરામદાયક વાતાવરણ આપવા ૬ નવા ગાર્ડન, ૬ તળાવોના બ્યુટીફીકેશન, પોકેટ ગાર્ડન, બોટેનિકલ ગાર્ડન અને ઑક્સીજન પાર્ક વિકસાવાશે. સાથે જ નવી સ્ટ્રીટ લાઈટ્સ, ડાયનેમિક લાઈટિંગ અને મોર્ડન લાઈબ્રેરીઓના નિર્માણથી શહેરને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.

ક્રીડા ક્ષેત્રે કેસરબાગ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને રખડતા પશુઓ માટે એનિમલ હોસ્ટેલ બનાવવાની પણ યોજના છે. વિભાગવાર ખર્ચમાં વોટર વર્ક્સ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ વિભાગને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ રીતે મોરબી મહાનગરપાલિકાનું આ બજેટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, પ્રવાસન અને નાગરિક સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે દિશાસૂચક સાબિત થવાનું મનાય રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!