મિત્રની પત્ની પાસે અવાર નવાર બીભત્સ માંગણી કરતા,પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિએ આધેડનું કાસળ કાઢ્યું
મોરબીના લીલાપર ગામે તીર્થક પેપરમીલ બાજુમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા આધેડની ગત તા.૧૫/૧૦ના રોજ ગુમ થયા હોવાની તેમના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની તપાસમાં આધેડની હત્યા થયાનો ચોકવનારો ખુલાસો થયાનું સામે આવ્યું હતું, આધેડની વાંકાનેરના અરણીટીંબા નજીક વાડીએ ગળેટૂંપો દઈ હત્યા કરી હતી. હાલ મૃતકના પુત્ર દ્વારા તેમના પિતાની હત્યા કરનાર ત્રણેય હત્યારાઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી લીલાપર તીર્થક પેપરમીલની બાજુમા રહેતા મુળ રહે.પોચી ગામ મધ્યપ્રદેશના વતની નાનકાભાઇ કેકડીયાભાઇ માવી ઉવ.૨૦ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સુરેશભાઇ વેસ્તાભાઇ બારીયા ઉવ.૩૨ રહે.લીયારા ગામ તા.પડધરી જી.રજકોટ મુળ-બળીફાટા તા-ભાભરા જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ, મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા ઉવ.૩૬ રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર ગાયત્રી ભડીયા પાસે ઝુપડામાં મુળ-મયાવટ ગામ તા-ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ તથા સુરેશભાઇની પત્ની મેરીબાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાની કલમ સહિત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાની ટુક વિગતો મુજબ ફરિયાદી નાનકાભાઈના પિતા કેકડીયાભાઈના ગુમ થવા બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ બાઈક લઈને બહાર નીકળેલા કેકડીયાભાઈના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી, જેના આધારે તપાસ દરમિયાન તેમની હત્યાનું ભેદ ખુલ્યું છે. આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મનાભાઈ લબરીયા અને સુરેશભાઈની પત્ની મેરીબાઈએ કેકડીયાભાઈની હત્યા કરી હોવાનો સામે આવ્યું હતું. જેમાં કેકડીયાભાઈએ આરોપી સુરેશભાઈની પત્ની મેરીબાઈને અવાર નવાર હેરાન કરતા અને બિભત્સ માંગણીઓ કરતા હોય જેથી સુરેશભાઈ, તેની પત્ની મેરીબાઈ અને તેના મિત્ર મનાભાઈએ કેકડીયાભાઈની હત્યા કરવા કાવતરું રચ્યું હતું.
તેમણે કેકડીયાભાઈને મિસકોલ કરાવીને ૧૫ ઓક્ટોબરે રાત્રે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વાડીએ બોલાવ્યા હતા, જ્યાં મોડી રાત્રે કેકડીયાભાઈનું ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા એમણે કેકડીયાભાઈનો મોબાઈલ અને મૃતદેહને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકી દીધો અને બાઈક કુવામાં નાખી દીધું હતું.