જિલ્લાના ૨૨૧ લાભાર્થીઓના ઘરના લોકાર્પણ/ખાતમુહૂર્ત થયા
સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત વિકાસ દિન નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલીયાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજયમાં તમામ ક્ષેત્રે વિકાસ થયો છે. સમતોલીત વિકાસ થકી રાજયમાં સામાજિક જીવન સ્થિર થયું છે. આ ઉપરાંત કોરોના જેવી મહામારીના સમયમાં પણ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સતત માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.
રાજયની વિકાસગાથા અંગે ઉદ્દબોધન કરતાં લીલાબેન આંકોલીયા જણાવ્યું હતુ કે હાઇ-વે થી લઇને ખેતર સુધી પાકા રસ્તાઓના નિમાર્ણ કરી રાજ્ય સરકારે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કર્યું છે. ગામડાઓમાં ૨૪ કલાક વિજળી દિવસે જ મળી રહે તેવુ આયોજન કરી ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. સૌની યોજના, સુજલામ સુફલામ યોજનાઓ થકી વિકાસની અનેક દિશાઓ ખોલી છે. રાજયમાં મહિલાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી મહિલા આયોગના ચેમરેન લીલાબેન આંકોલીયાએ મહિલાઓ માટે થયેલા કાર્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. રાજયમાં નારી અદાલતો, મહિલા હેલ્પ લાઇન, કન્યા કેળવણી રથ, સ્થાનિક સ્વરાજમાં મહિલાઓને ૫૦ ટકા અનામત, મહિલા પોલીસ સ્ટેશનનું નિમાર્ણ, મહિલા આયોગની સ્થાપના, મહિલા અને બાળ વિભાગની સ્થાપના સહિતના મહિલા માટે અનેકવિધ યોજનાઓ અને કાર્યો અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.
વિકાસ દિન નિમિત્તે ગ્રામ વિકાસ વિભાગની આવાસ યોજના હેઠળ ૭૮ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ૫૧ લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ૯.૮૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આવાસ યોજનાનું ૧૯૨ લાભાર્થીઓના આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ એક જ દિવસમાં મોરબીના ૨૨૧ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા ૬ લાભાર્થીઓને અવાસ માટે પ્લોટની સનતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂપિયા ૭૬ લાખ રૂપિયાના ખર્ચે ૩ નવી એસ.ટી. બસો, રૂપિયા ૭.૨૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ટંકારા અને રૂપિયા ૭.૯૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ માળિયાની નવી આઇટીઆઇ બિલ્ડીંગોના લોકાર્પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યા હતા. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું જ્યારે કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતે તાલુકા વિકાસ અધિકારી ગોહિલએ આભારવિધિ કરી હતી.
મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા માળીયા આઇટીઆઇના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મોરબી એપીએમસી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને હંસાબેન પારધી, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીતાબેન જોષી, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતાબેન પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.