મોરબી જિલ્લો રાજકોટમાંથી નવરચિત બન્યો ત્યારે શિક્ષકોને જિલ્લા વિભાજન કેમ્પનો લાભ આપી રાજકોટ જિલ્લાના જુદાં જુદાં તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા સતિષભાઈ જીવાણી દિનેશભાઈ કાનગડ, નમ્રતાબેન કરોત્રા,પ્રીતિબેન ગડારા, માધુરીબેન સોલંકી, મિતાબેન ખટારીયા, હિતેષભાઈ રાઠોડ, વગેરે સાત શિક્ષકોને તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવેએ નિયમ મુજબ જિલ્લા વિભાજનના નિયમોની જોગવાઈ મુજબ મોરબી જિલ્લાની શાળાઓમાં તા.૦૫/૦૭/૨૦૧૬ માં બદલી હુકમ આપેલ હતો એ અન્વયે આ સાતેય શિક્ષકો છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતાં હતા.
મોરબી જ્યારે જિલ્લો બન્યો અને રાજકોટ માંથી અલગ થયો ત્યારે આ રીતે જ જિલ્લા જાહેર થયેલા નવરચિત તમામ જિલ્લામાં શિક્ષકોને આવી રીતે બદલીનો લાભ આપેલ હતો.પરંતુ નિયામક પ્રાથમિક શિક્ષણે માત્ર મોરબી જિલ્લાને જ ટાર્ગેટ કરી સાત શિક્ષકોને આઠ વર્ષે રાજકોટ જિલ્લામાં પરત મોકલી અન્યાય કર્યો હોય હાલ આ સાતેય શિક્ષકોએ નામદાર કોર્ટનો આશરો લીધો છે અને જેની તા.૧૩.૧૨.૨૦૨૪ ના રોજ સુનવણી છે.જો શિક્ષકોએ ખોટી બદલી કરી હોય તો તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવેએ શું ખોટો હુકમ કર્યો હતો? શિક્ષણ નિયામકે કે પણ જે તે વખતે આ હુકમને શા માટે બહાલી આપી? આઠ આઠ વર્ષે શા માટે કૂકડો બોલ્યો? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.રાજકોટ પરત મોકલેલા શિક્ષકોના બાળકો હાલ બોર્ડના વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, શિક્ષકોના સંતાનોને અધવચ્ચે શિક્ષણ છોડી અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા, શિક્ષકોને અચાનક અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા શિક્ષકો સાથે માનવતા દાખવ્યા વગર અડધી રાત્રે હુકમ કાઢી એક ઝાટકે શિક્ષકોના જીવનને અસ્ત વ્યસ્ત કરી ઘોર અન્યાય કરેલ હોય,તમામ સાતેય શિક્ષકો ખુબજ મનોવ્યથા અને માનસિક તાણ અનુભવી રહ્યા છે તેમ શિક્ષકોએ જણાવ્યું હતું.
ત્યારે આ શિક્ષકો સાથે થયેલ અન્યાય મામલે અથવા તો જો બદલી ખોટી રીતે થઈ હતી તો જે તે સમયે બદલી કરનાર અને બદલી હુકમને બહાલી આપનાર અધિકારીઓ ની પણ બેજવાબદારી પ્રત્યે તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.