સ્ટેટ વખતનો ઐતિહાસિક માર્ગ ફરી ધમધમશે 26 લાખના ખર્ચે રિનોવેટ થશે.
એક સમયે રાજાશાહીનો ગૌરવશાળી માર્ગ ગણાતો રેલ્વે સ્ટેશન વાળો ટંકારા-મોરબી રોડ, જે આજે બિસ્માર હાલતમાં જંગલમાં ફેરવાયો છે, તેનું નવીનીકરણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એક સમયે આ માર્ગ પર કોટન મિલ, ટેલિફોન ઓફિસ, રેલવે સ્ટેશન અને એસટી બસોની અવરજવરથી રોનક રહેતી હતી, પરંતુ રિપેરિંગના અભાવે આ માર્ગ ગુગલ મેપમાં પણ ગાયબ થઈ ગયો હતો.
સ્થાનિક પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ સોશિયલ મીડિયા પર આ માર્ગની દયનીય સ્થિતિના ફોટા વાયરલ કરી સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. જે અંગેના અખબારી અહેવાલને પગલે ટંકારા નગરપાલિકાએ રેલ્વે સ્ટેશન વાળો મોરબી નાકા સુધીનો રોડનુ નવીનીકરણ માટે 26 લાખ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 1967 સુધી આ માર્ગ પર એસટી બસો દોડતી હતી, અને આજે પણ ટંકારા, અમરાપર અને ટોળના રહેવાસીઓ માટે આ માર્ગ મહત્ત્વપૂર્ણ છે. આ રસ્તાનું નવીનીકરણ થતાં ટંકારા-મોરબીની કનેક્ટિવિટી સુધરશે, ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને વેગ મળશે. ટંકારા નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાની જાહેરાત સાથે, આ ઐતિહાસિક માર્ગ ફરીથી જીવંત થવાની આશા જાગી છે.