હીટવેવ દરમિયાન શું કરવુ, અને શું ના કરવુ તે અંગે મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શક સુચનો જાહેર કરાયા
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત કેટલાંક જિલ્લાઓમાં હીટવેવની સંભાવનાઓ રહેલ છે. હીટવેવની પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર- મોરબી દ્વારા હીટવેવ દરમિયાન શું કરવુ, અને શું ના કરવુ તે અંગે પ્રજાજનો માટે સાવચેતીના પગલા લેવા માટે કેટલાક માર્ગદર્શક સુચનો જાહેર કર્યા છે.
હીટવેવ દરમ્યાન તરસ ન લાગી હોય તો પણ થોડા થોડા સમયે પાણી પીતા રહેવુ, હલકા રંગના ઢીલા, અને હળવા સુતરાઉ કપડાં પહેરવા, કારણવશ બહાર જવાનુ થાય તો ચશ્મા, છત્રી, ટોપી, બુટ અને ચંપલનો ઉપયોગ કરવો, મુસાફરી દરમ્યાન સાથે પીવાનુ પાણી રાખવુ, સૂર્યના સીધા પ્રકાશમા કામ કરવાનુ થાય ત્યારે છત્રી તથા ટોપીનો ઉપયોગ કરવો, તથા માથા ગળા અને ચહેરા પર ભીનું કપડું રાખવુ, ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, કાંજી, લીંબુ પાણી, છાસ વગેરેનો વધુ ઉપયોગ કરવો.
હીટવેવની અસર દરમ્યાન સ્નાયુનું ખેંચાવુ, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, માથુ દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન જેવા લક્ષણો જોવા મળે છે. જો નબળાઇ અથવા બીમારી જેવુ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, પશુ પંખીઓને શેડની નીચે/છાંયામા રાખો અને પીવા માટે પુરતા પ્રમાણમા પાણી આપતા રહો, ઘરને ઠંડુ રાખવા માટે પડદા, અને શટરનો ઉપયોગ કરો, રાત્રે બારીઓ ખોલી દો, ઘરમાં પંખા તથા ભીના કપડાંનો ઉપયોગ કરવો. કામદારો સુર્યના સીધા તાપમા કામ ન કરે તેની સાવધાની રાખો. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમા કામ કરવાનું ટાઈમ ટેબલ બનાવવુ, બહાર કામ કરવાવાળાઓએ વારંવાર લાંબો આરામ લેવો, સગર્ભા કામદારો ઉપર વધારે ધ્યાન આપવું.
હીટવેવ દરમિયાન સૂર્યના તાપમા જવાનુ ટાળવું હિતાવહ છે. ભડકાઉ કલરના, ટાઇટ, રેશમી તથા ભારે કપડા પહેરવાનુ ટાળવું. બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ દરમ્યાન કામ કરવાનુ ટાળવું. તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમા ઓછો સમય રહેવું. ચા, કોફી, આલ્કોહોલ, અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળવું જોઇએ.