Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી જિલ્લાના એક લડાયક ગામ એવા ખાખરેચી ગામનો ગૌરવ વંતો ઇતિહાસ

મોરબી જિલ્લાના એક લડાયક ગામ એવા ખાખરેચી ગામનો ગૌરવ વંતો ઇતિહાસ

પ્રકરણ -૧ ખાખરેચીના ખેડૂતો નો દરબારશાહી સામે જંગ

- Advertisement -
- Advertisement -

હાલના જમાનામાં મોરબી જિલ્લાના માળિયા મહાલ (મહાલ એટલે તાલુકો ત્યારના સમયમાં તાલુકાને મહાલ કહેવાતું)ના ખાખરેચી ગામે વ્હેમ અને અધશ્રદ્ધાને જડમૂળથી કાઢીને નામ કાઢ્યું હતું. ત્યારના સમયમાં અંધશ્રદ્ધા સમાન કુતરા ભગતના રથ પાછળના દંભના પડદાને ચીરનાર તથા ભૂવાઓને પડકારનાર ખાખરેચી એક લડાયક ગામ છે. એની સાબીતી ખાખરેચી એ માળીયાના ઠાકોર સામે ખેલેલો સત્યાગ્રહ જંગ પૂરી પાડે છે. આ સત્યાગ્રહના યુદ્ધથી રણને કાંઠે આવેલું આ ગામ ઇ. સ. ૧૯૨૯ની સાલમાં સમગ્ર હિંદુસ્તાનની જીભે રમવા માંડયું હતું અને ખુદ મહાત્મા ગાંધીજીએ આ સત્યાગ્રહ યુદ્ધને આશિષ આપ્યા હતા.

આ સત્યાગ્રહના સેનાપતિ હતા સ્વ.શ્રી. મગનલાલ પાનાચંદ સંવત ૧૯૭૪માં માળીયાના ઠાકોર સાથે કપાસ પરના વેરા વધારતાં મગનલાલને ઠાકોર સામે અથડામણ થઇ અને એમનો કપાસ ઝપ્ત કરવામાં આવ્યો. વરસાદમાં એ ઝપ્ત કરાયેલ કપાસ પલળી જતાં માળીયાના ઠાકોર એ સૂચન કર્યુ મેં મગનલાલ ઠાકોર ને નમી જાય તો એના નુકશાન ની ભરપાઈ કરવામાં આવશે પણ એ સમય માં રૂા. ૬૦,૦૦૦નું નુકસાન અડગ એવા મગનલાલે પોતે ભાગવીને રાજ્યને નમવાની ના પાડી. પછી ઇ. સ. ૧૯૧૮માં તેઓ વઢવાણ ખાતે મહાત્મા ગાંધીજીને મળ્યા અને ત્યાર બાદ સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા. ગાંધીજીની આજ્ઞાને માથે ચડાવીને એણે પેાતાના એકના એક પુત્રને ખાદી પહેરાવી અને ઇ. સ. ૧૯૨૦માં તેઓ સ્વરાજ્ય કુંડમાં નાણાં એકઠા કરવા સમગ્ર કાઠિયાવાડમાં ફર્યાં. ઇ.સ. ૧૯૨૧માં ખાખરેચીમાં તેઓએ વિલાયતી કાપડની હોળી કરી હતી. જામ રણજીત સામેના બેડીબંદર બહિષ્કાર જંગમાં તેઓએ જામ સાહેબને નમાવ્યા હતા.

આ મગનલાલભાઇ પાસે ખાખરેચીના ખેડુતોએ રાજ્યના જુલમ સામે મક્કમતાથી લડી લેવાનો પ્રસ્તાવ ૨૬ નવેમ્બર ૧૯૨૯ના રોજ રજૂ કર્યો હતો અને મૃત્યુ સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે રત્ના કરશનને ત્યાં બેઠક બોલાવી ને સત્યાગ્રહ ના પરીણામ રૂપે જે યાતના વેઠવી પડી શકે છે એની વિગતવાર સમજણ સર્વે સત્યાગ્રહીઓને મગનભાઈએ આપી હતી. જે સત્યાગ્રહમાં બધું લૂંટાશે, જુલ્મ થાશે, ઝપ્તિ તથા જેલવાસ જેવા પરિણામોને સહન કરવા પડશે એવું સ્પષ્ટપણે સમજાવ્યું હતું પણ રાજ્યના ખેડૂતો અને લડાયક ગામ ખાખરેચી ના ખેડૂતો એ આ બધું સહન કરવાની સંપુર્ણ તૈયારી દર્શાવી હતી. અને સત્યાગ્રહમાં જોડાવાની સહમતી રૂપે 26 નવેમ્બર ની રાત્રે 10 વાગ્યા આસપાસ રત્ના કરશનના ઘરે બેઠકમાં સંમતિપત્રના સૌ હાજર સત્યાગ્રહી ઓ એ સહીઓ કરી હતી.

બીજે દિવસે આ વાત ની માળીયા ના ઠાકોર ને ખબર પડી જેથી વાતાવરણ તંગ બન્યું રાજ્ય ની પોલીસ ઠાકોર સાહેબ નું તેંડુ લઈને ખાખરેચી ગામ માં આવી.ખેડૂતો ને ખાખરેચી ના જડેશ્વર (આજની તારીખે સદીઓ જૂનું ખાખરેચી નુ જડેશ્વર મહાદેવ મંદિર પ્રખ્યાત છે)બંગલા માં બોલાવવામાં આવ્યા અને ધાક ધમકીઓ આપી ને ખેડૂતો ને રાજ્ય છોડી ને ચાલ્યા જવાના હુકમ આપવામાં આવ્યો. રાજ્ય એ ખેડૂતો ને આપેલ કરજ ભરી ને સામાન ભરી ને ચાલ્યા જાવા ના હુકમ આપ્યા.રાજ્ય ના અમલદારો ખડે પગે થઈ ગયા રાજ્ય પર વિદેશી સૈન્ય આવ્યું હોય એ રીતનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો વાતાવરણમાં ગરમાવો આવ્યો ઠાકોર સાહેબ નો આદેશ છૂટ્યો જુવાર બાજરા સહિતના અનાજ થી ભરેલ ખળાવાડ પર કડક પહેરો મૂકી દયો ‘ અને એક પત્ર તૈયાર કરાયો એમ એવું નક્કી કરાયું કે રાજ્યભક્ત હોય એટલે કે જે ખેડૂતો સત્યાગ્રહ કરવા નથી માંગતા અને રાજ્ય માં રહેવા માંગે છે તેઓને એ પત્ર માં સહી કરાવવામાં આવે અને તેઓને જ ખળા વાડમાંથી અનાજ સંભાળવા ની પરવાનગી આપવામાં આવે. (ત્યારે ખળાવાડ એટલે આજે જેમ યાર્ડમાં અનાજ રાખવામાં આવે છે એ રીતે ખડાની વાડ હતી જેમાં બધા ખેડૂતોની ઉપજ રાખવામાં આવતી).

પણ ખેડૂતો અણનમ રહ્યા અને એ પત્ર કે જે એક ગુલામી નો દસ્તાવેજ હતો એમાં કોઈએ સહી કરી ન હતી .અને ખડુતો એ 24000 મણ જેટલું અનાજ ભરેલ ખળા વાડ ભગવાન ભરોસે છોડીને ગામમાં પાછા આવતા રહ્યા. ત્યારે જ બીજી તરફ ખડાવાડ પર રહેલું અનાજ લૂંટાવા લાગ્યું. ચોરીઓ થવા લાગી. ખેડૂતો એ કાળી મહેનત કરીને જે અનાજ પેદા કર્યું હતું. એ ધૂળધાણી થવા લાગ્યું છતાં પણ ખેડૂતોએ દરબરશાહી સામે ન જુકવા માટે થઈને સતત 57 દિવસ સુધી ખેડૂતોએ પોતાના પેદા કરેલ અનાજ પર નજર ન માંડી. પણ પછી માવઠું થતા અનાજ પલળી ને ઊગી નીંકડવા માંડ્યું પણ છતાં પણ ખેડૂતો એ જરા પણ ચિંતા કર્યાં વગર સત્યાગ્રહ ના પ્રથમ પગથિયે કાળી મહેનત એ ઉત્તપન્ન કરેલા 24000 મણ અનાજનો ભોગ આપ્યો.

એ સમયમાં રજવાડાઓ દ્વારા જે ફરજિયાત વેઠ કરાવવામાં આવતી જેમ કે ગાડા આપવા,દૂધ આપવું, છાણાં આપવા, લાકડા આપવા અને આ બધા મુદા ના વિરોધ ને લઈને જે ખેડૂતોએ વિરોધ કર્યો હતો એમના પર નવા નવા કરવેરા નાખવામાં આવ્યા પણ છતાં લડાયક બનેલા ખેડૂતોએ કરવેરા અને ફરજિયાત વેઠ કરવાની ચોખી ના પાડી દીધી. પરિણામે રાજ્ય માં વકરેલા જુલમાટમાં અને સત્યાગ્રહી ખેડૂતો ને ફરી એક વાર ઠાકોર એ આમંત્રણ આપ્યું અને જડેશ્વરના બંગલામાં બેઠક યોજાઈ જેમાં ખેડૂતો સાથે મગનભાઈને જોઈને ઠાકોર ધુંઆ પુંઆ થઈ ગયા અને વાત શરૂ કરતાં જણાવ્યું કે “તમે મારી દીકરા દીકરીઓ છો પણ આ મગન લાલ ખેડૂત નથી એ તોફાની તત્વ છે એને ખેડૂતોની બેઠકમાં સાથે ન લાવો તો સારું રહેશે.પણ ભલે લાવ્યા “એવી વાતો કરતા ઠાકોરને મગનલાલ એ ઉદાર દિલ થી જુલ્મ ઓછા કરવા વિનંતી કરી. પણ બાપુ એ જ્યારે ખેડૂતોની જ વાત સાંભળવાની હઠ લીધી ત્યારે જેરામ જેઠા અને ભવાન ઓધા વાત કરવા માટે આગળ આવ્યા. અને કહ્યું ” વેઠ ઘણી છે રાજ્યના રસોડે રોજ બે મણ (ત્યારે લીટરનું માપ ન હતું) દૂધ મફત જાય છે. ગાળો બોલીને રાજ્યના દરેક ગામ માંથી વેઠ કરાવાય છે. વેઠના ત્રાસથી અમુક લોકો ગામ છોડીને ચાલ્યા જાવા મંડ્યા છે.”

અને પછી તાપસ કરી ને દયા રાખવાની અરજ કરતા ખેડૂતો પર ઠાકોરનો મિજાજ ગયો અને આદેશ આપ્યો “મારો સાલાઓને” અને તરત જ 300 ખેડૂતોએ ત્યાંથી ઉભા થઇ ને નીકળી ગયા. રાજાનો હુકમ હોવા છતાં એ વખતની રાજ્યની પોલીસ એક પણ ખેડૂતને લાકડીનો એક છેડો પણ અડાડી ન શક્યા. પણ મગન લાલ ને પોલીસએ રોક્યા અને બાપુએ એને એકાંતમાં બોલાવી ને ખેડૂતોનું આંદોલન બંધ કરાવે તો એને ઘણા લાભો આપશે એવી લાલચ આપી. પણ મગનલાલ તો સત્યનું પ્રતિબિંબ હતા અને એમને ઠાકોરને સલાહ આપી કે ખેડૂતોની માંગ સ્વીકારી લો એના સિવાય કંઈ રસ્તો નથી.

વધુ આવતા અંકે મંગળવારે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!