મોરબી શહેર અને જિલ્લામાં વરસાદથી ઠેર-ઠેર રસ્તાનું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખીજડીયા ચોકડીથી મુખ્ય સ્મશાન સુધી રસ્તાની હાલત બિસ્માર થઇ જતા આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાને આવેદન પાઠવવામાં આવ્યું છે. અને જો તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો માર્ગ રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
ટંકારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને ખીજડીયા ચોકડીથી સ્મશાન સુધીના રોડની ખરાબ હાલત, ગંદકી અને ટ્રાફિક સમસ્યા અંગે ટંકારા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. આ રોડ પર કચરો, ધૂળ અને તૂટેલી સ્થિતિને કારણે મચ્છરોનું પ્રમાણ વધ્યું છે, જે રોગચાળાનું જોખમ ઊભું કરે છે. ભારે ટ્રાફિક અને અવરજવરથી સ્કૂલે જતાં બાળકો સહિત નાગરિકોને ભારે અસુવિધા થાય છે, જે તેમના આરોગ્ય અને સુરક્ષા માટે જોખમી છે. આવેદનમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડનું તાત્કાલિક મરામત, નિયમિત સફાઈ અને મચ્છરનાશક દવાનો છંટકાવ કરવાની માગણી કરવામાં આવી છે. આ બાબત સફાઈ, રોડ અને આરોગ્ય વિભાગને ફોરવર્ડ કરવાની વિનંતી પણ કરાઈ છે. શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયાએ જણાવ્યું કે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો નગરજનો સાથે મોરબી વાળી કરી માર્ગ રોકો આંદોલન કરવું પડશે.