મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતી દેવડી ગામથી નેશનલ હાઇવેને જોડતો ૨૨ વર્ષ જુનો બ્રીજના એક પિલર ક્ષતિ ગ્રસ્ત થયો છે. જેના કારણે બ્રીજનો વચ્ચેનો ભાગ અડધો ફૂટ જેટલો નીચે નમી ગયો છે.જે ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તેમજ મોરબી માર્ગ મકાન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક બ્રીજનું ઇન્સ્પેકશન કર્યું હતું અને બ્રીજમાં વાહન અવર જવર જોખમી જણાતા તાત્કાલિક વાહનોની અવર જવર અટકાવી દેવામાં આવી હતી. તેમજ બ્રિજનો કેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત થયો છે અને કયા કારણોસર આ બન્યું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર રાતી દેવડી અને પંચાસર રોડને જોડતો મચ્છુ નદી પર બનાવેલ પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. એક તરફનો ભાગ નીચે બેસી ગયો છે. નીચે પીલ્લર થી લઇને રોડ પરના ડામર સુધી તિરાડો દેખાઈ રહી છે. જે પુલ પર તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો છે. જે બ્રિજ 22 વર્ષ જુનો હોય અને દીવસ દરમિયાન હેવી વ્હીકલ તેમજ ખનીજ ચોરી કરીને ઓવર લોડ ખનીજ ભરીને નીકળતા ટ્રકના કારને નુકશાન થવા અંગેની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જો કે સાચું કારણ માર્ગ મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ સામે આવી શકે છે. હાલ આ રોડ પર વાહનોની અવર જવર બંધ કરી વાંકાનેર તરફ જતા માર્ગ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેમજ ગાંધીનગર થી ટીમ આવી ચકાસણી કરશે અને ત્યાર બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ બાદ પુલને રિપેર કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.