રોમાંચક ફાઇનલ રાઉન્ડમાં પ્રિન્સ – પ્રિન્સેસને ઇ બાઇક તેમજ લિટલ પ્રિન્સ – પ્રિન્સેસને બાયસિકલ સહિતના ઈનામો અપાશે
મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવને એક દિવસ લંબાવામાં આવ્યો છે. જેથી આવતીકાલે બુધવારે પણ નવરાત્રી મહોત્સવ ચાલુ જ રહેશે. વરસાદને કારણે એક દિવસનો બ્રેક પડ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં બહેનો નિઃશુલ્ક એન્ટ્રી મેળવી સલામત વાતાવરણમાં ગરબે ઘૂમી રહી રહી છે. ગત રવિવારના રોજ સાતમા નોરતે વરસાદનું વિઘ્ન આવતા આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની સલામતીને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હતી. જેથી હવે આ મહોત્સવ એક દિવસ લંબાવવામાં આવ્યો છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક વર્ગના લોકો ખૂબ ઉત્સાહથી ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે પણ ખેલૈયાઓ રમી શકશે. આવતીકાલે ફાઇનલ રાઉન્ડ યોજાશે. જેમાં પ્રિન્સ અને પ્રિન્સેસને ઇ- બાઇક તેમજ લિટલ પ્રિન્સ અને પ્રિન્સેસને બાયસિકલ સહિતના ઈનામોથી નવાઝવામાં આવશે.