સરપંચ સરકારના અગત્યના કામો કરવામાં રસ દાખવતા ન હોવાથી તેમને મોરબી ડી.ડી.ઓ. ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી દુર કરાયા
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના દેવળિયા ગામના સરપંચ અરૂણાબેન મનસુખભાઈ ભાલોડીયા સરકારના અગત્યના કામો કરવામાં રસ દાખવતા ન હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે.
સરપંચશ્રીને ગ્રામ પંચાયત ભવનનું કામ શરૂ કરવા માટે તાલુકા પંચાયત કચેરી દ્વારા વારંવાર પત્રો અને નોટીસોથી સુચના આપવામાં આવી હતી, તેમ છતાં તેમના દ્વારા તેનો પ્રત્યુત્તર ન પાઠવીને કામ ચાલુ ન કરીને ઉપલી કચેરીના આદેશોનું પાલન કરેલ નથી. તેઓ સરપંચ ગ્રામ પંચાયત ભવન બનાવવાનું અગત્યનું કામ કરવામાં રસ દાખવતા નથી. ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે તેમની માંગણી મુજબની જગ્યા રોડની મધ્ય રેખાથી બિલકુલ નજીક હોવાથી ભવિષ્યમાં કપાત થવાની સંભાવના છે અને તે જગ્યાની પાછળથી પાણીનો વોકળો પસાર થતો હોય ત્યાં બિલ્ડીંગ બનાવવું અયોગ્ય છે. આ બાબતની જાણ હોવા તેઓ પોતાની હઠ પર અડગ રહી ગ્રામ પંચાયતની અગાઉની બોડી દ્વારા નક્કી કરવામાં આવેલ જગ્યા પર ગ્રામ પંચાયત ભવન ન બનાવીને નવી જગ્યા પર ગ્રામ પંચાયત ભવન બનાવવા માંગે છે. જે કરવાથી સરકારના નાણાનો દુર્વ્યય થાય તેમ છે.
સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને ઉપલી કચેરીના આદેશોનું પાલન કરેલ ન હોય તેમજ પોતાની ફરજો અને કાર્યો કરવામાં રસ દાખવતા નથી. ગામમાં વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલ કામો હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. ઉપરાંત તેમણે સરકારની સુચનાઓની પણ અમલવારી કરેલ નથી.
આ તમામ બાબતો ધ્યાને લેતા દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ અરૂણાબેન મનસુખભાઈ ભાલોડીયાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં અસમર્થ હોય તેવું માલુમ પડે છે. તમામ આધાર-પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા (IAS), દ્વારા ટંકારા તાલુકાની દેવળિયા ગ્રામ પંચાયતના સરપંચ અરૂણાબેન મનસુખભાઈ ભાલોડીયાને ગુજરાત પંચાયત અધિનિય હેઠળ તાત્કાલિક અસરથી તેમણે ધારણ કરેલ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.