માળીયા(મી)નાં વિરવિદરકા ગામે ગત તા.૧૨/૦૧/૨૦૨૨ના રોજ એક યુવકની ઈસમ દ્વારા પથ્થર તથા તીક્ષ્ણ હથીયાર વડે માથાનાં ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. જે ગુન્હામાં મોરબી સેન્શન્સ કોર્ટના જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી)નાં વિરવિદરકા ગામે રહેતા મહેશભાઇ જીવાભાઇ સુરેલાના ભાઈ રોહીતભાઇ જીવાભાઇ સુરલાનું ગત તા.૧૨/૦૧/૨૦૨૨ના રોજ આરોપી દીનેશભાઈ ગોવિંદભાઈ નાયક નામના શખ્સ દ્વારા અગમ્ય કારણોસર પથ્થર તથા તીક્ષ્ણ હથીયાર વડે માથાનાં ભાગે તેમજ ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતું. જે ગુન્હાની ફરિયાદ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે પોલીસે ગુન્હાને ધ્યાને લઈ આરોપી દીનેશભાઈ ગોવિંદભાઈ નાયકની અટકાયત કરી મોરબી સેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
જે કેસ આજે સેસન્સ કોર્ટ માં ચાલી જતાં ૧૨ મૌખિક પુરાવા અને ૩૨ દસ્તાવેજી પુરાવા તેમજ આ ગુનાની સમગ્ર તપાસ જે તે સમયના માળિયાં પીએસઆઇ એન.એચ.ચુડાસમા એ કરી હતી જેમાં પોલીસે પણ લીધેલા તમામ પુરાવાઓ અને તથ્યોને ગ્રાહ્ય રાખી સરકારી વકીલ સંજય ભાઈ દવે ની ધારદાર દલીલો ને ધ્યાને રાખીને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો અને ફરમાવવામાં આવ્યું હતું કે, ભારતીય દંડ સહીતાની કલમ-૩૦૨ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હામાં આરોપીને આજીવન કેદની સખ્ત સજા તથા રૂ. ૧૦,૦૦૦/-નો દંડ કરવામા આવ્યો છે, તેમજ જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૧ (એક) વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામા આવ્યો છે.