ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રક્ત દાન સાથે અંગદાન વિશે પણ જનજગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કાર્યરત અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ, કેડી હોસ્પિટલના તબીબો અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ જીવનદીપ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શઁકરભાઈ ચૌધરી દ્વારા 28 માર્ચ, 2025 ના રોજ વિધાનસભામાં આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.. જેમાં હળવદના નવયુવાન તપનદવેનું અંગદાન જાગૃતિ કાર્યકર્તા તરીકે અધ્યક્ષના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. જે બદલ તપન દવેને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે..
ગુજરાત રાજ્યમાં રક્તદાન સાથે અંગદાનની જાગૃતિ ફેલાવવામાં છેલ્લા 5 વર્ષમાં જબરદસ્ત વધારો જોવા મળી રહયો છે. ગુજરાતમાં સરેરાશ દર મહિને 2 અંગદાન થઇ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની હાલમાં ચાલી રહેલી કામગીરીમાં પણ આરોગ્ય મંત્રી દ્વારા ગર્વભેર અંગદાનના આંકડાઓ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ કામગીરી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને તબીબોને વિધાનસભામાં આમંત્રિત કરીને સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ, સિવિલ હોસ્પિટલના સુપ્રિડેંટ ડો રાકેશ જોશી, યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલના ડાયરેક્ટર ડો ચિરાગ દોશી, કેડી હોસ્પિટાલના ડેપ્યુટી જનરલ મેનેજર નિખિલ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા અંગદાન સંલગ્ન હેન્ડ પેઇન્ટેડ વિવિધ પોસ્ટર્સ પ્રદર્શિત કરીને ધારાસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને અંગદાનની જાગૃતિ ફેલાવી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હળવદના નવયુવાન તપન દવેનું પણ અંગદાન જાગૃતિ કાર્યકર્તા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ તપન દવેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.