છેવાડા નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ મોરબી તાલુકાના રંગપુર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું.
રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યનો કોઇપણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ જેવી અનેક આરોગ્ય કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે જેનો દરેક નાગરિકે લાભ લેવો જોઈએ. ‘‘પહેલુ સુખ તે જાતે નર્યા’’ નો ઉલ્લેખ કરતા મંત્રીએ દરેકે આરોગ્ય બાબતે જાગૃત અને વ્યસન મુક્ત બનવા આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રંગપર ખાતેથી મોરબી તાલુકાના પાનેલી, નીચીમાંડલ તેમજ હળવદ તાલુકાના સાપડકા ગામ ખાતે રૂપિયા ૨૦-૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રના પણ વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવેલ હતાં. મંત્રી બ્રિજેશભાઈ મેરજાના તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડા. રાહુલ કોટડીયાએ સ્વાગત તેમજ મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયાએ આભારવિધિ કરી હતી. જયારે કાર્યક્રાનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. ભગદેવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, જયંતીભાઈ પડસુંબીયા, સર્વ જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરીયા, દિલુભા ઝાલા, કે.કે. ચાવડા, અરવિંદભાઈ વાસદડિયા, રાકેશભાઈ કાવર, શંકરદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઈ વડસોલા, સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.