મોરબીના શનાળા રોડ પર સરકારી કર્મચારી સોસાયટીમાં ગટર લાઇનનું કામ હલકી ગુણવત્તાનું થયુ હોવાની ગ્રામજનોમાં બૂમરાણ ઉઠી છે. જેના કારણે સોસાયટીનાં ફળિયામાં ગંદુ પાણી ભરાય છે. જેથી રહીશોના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના થતા રહીશોમાં રોશની લાગણી જોવા મળી રહી છે.
મોરબીના શનાળા રોડ સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સરકારી કર્મચારી સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાઈ છે. આ ગટરના ગંદા પાણી ઘરના ફળિયામાં ઘુસી જાય છે અને હાલ વરસાદી વાતાવરણમાં ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. તેથી આ ગટરની ગંદકીથી સોસાયટીના રહીશોના આરોગ્ય જોખમ ઉદ્દભવ્યું છે. આ અંગે સોસાયટીના રહીશ પ્રદ્યુમનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મનપામાં આ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
દરમિયાન હમણાં જન આંદોલન બાદ કલેકટર અને કમિશનરે દરેક સમસ્યાના ઉકેલ માટે મનપાના કર્મચારીઓના હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા. એમાં ત્રણ વખત ફોન કરવા છતાં માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે. તેથી આવા હેલ્પલાઈન નંબર જાહેર કરવાનો શુ અર્થ ? તેવો સવાલ ઉઠાવી તેમણે તેમની સોસાયટીની ગટરની સમસ્યાના ઉકેલની માંગ કરી છે.