મોરબી પંથકમાં પોલીસની સતર્કતાથી સફેદ ઝેર સમાન ડ્રગ્સના ઝંગી જથ્થાનો કાળો કારોબાર ઉઘાડો પડ્યો હતો. મોરબીના ઝીંઝુડા ગામે ATS અને SOG નું સંયુક્ત ઓપરેશન હાથ ધરી 500 કરોડના 120 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ પ્રકરણમા પોલીસની ઝપટે ચડેલ ત્રણેય આરોપીઓને આવતીકાલે મોરબી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ડ્રગ્સ કાંડમા મોરબી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું થયું છે . મોરબીના ઝીંઝુડા ગામે પકડાયેલા ડ્રગ્સ મામલે મુદામાલ અને આરોપી શમસુદ્દીન, ગુલામ હુસૈન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની ધરપકડ કરાયા બાદ તમામ આરોપીઓ સામે કાગળ પરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં ATS ટીમે તમામ આરોપીઓને આજે મિડિયા સમક્ષ હાજર કર્યા છે. આ ઉપરાંત ડ્રગ્સ કાંડની ઊંડી તપાસ અંગે તમામ આરોપીઓને આવતીકાલે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.