મોરબીના મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ અંગે વિવાદ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. અને નોટીસ ફટકારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું હતું અને આ બાંધકામ હટાવવા આદેશ કર્યા હતા. જેને લઈ હવે દીવાલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
મોરબીમાં આવેલ મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે દીવાલ બાંધકામ મુદે મોરબી નગરપાલિકાએ BAPS સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને એક બાદ એક ત્રણ નોટિસ ફટકારી હતી. જેની આખરી નોટિસમાં બે દિવસમાં તમામ બાંધકામ દુર કરવા આદેશ આપ્યો હતો અને જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું જાણવા મળ્યું હતું. જે બાદ આજે SLR ટીમ દ્વારા માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ કલેકટરનાં આદેશનાં પગલે JCB મશીન દ્વારા દીવાલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.