મોરબી જીલ્લામાં વધુ એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે, જેમાં હળવદ તાલુકાના સમલી ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાન પેટીને તોડી અજાણ્યા તસ્કરો આશરે રૂ.૧ લાખની ચોરી કરી લઈ ગયા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના નાની વાવડી ગામે લુહાર શેરીમાં રહેતા બાબુભાઇ ઉર્ફે કાળુભાઇ પોલાભાઈ ચીરોડીયા ઉવ.૫૨ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ બિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, ગઈકાલ તા.૦૮/૦૮ ના રોજ હળવદ તાલુકાના સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાનપેટીને કોઈ તસ્કરો દ્વારા તોડીને તેમાંથી અંદાજે રૂપિયા ૧ લાખની ચોરી કરી લઈ ગયા છે, ત્યારે ફરિયાદીના કુટુંબીનો ફોન આવતા તેઓ સમલી ગામે ગયા હતા, જ્યાં ધૂપ દિવા કરવા માટે રાખેલ પૂજારી પાસેથી વિગતો લેતા વહેલી સવારે તેઓ દિવાબત્તી કરવા આવ્યા ત્યારે દાન પેટી સહી સલામત હતી, જે બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પછી કોઈ અજાણ્યા તસ્કરોએ આ દાન પેટી તોડી તેમાંથી રૂપિયા ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. હાલ ફરિયાદી બાબુભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.