મોરબીમાં પત્નીને ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરનાર પતિને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાત વર્ષ પૂર્વે પરિણીતાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો આ કેસમાં સાસુ, દિયર અને નણંદને શંકાનો લાભ આપી છોડી મૂકવા કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, લલિતાબેન ધર્મેન્દ્રભાઈ પોપટે ગત તા.૨૬/૦પ/૨૦૧૮ ના રોજ નવલખી રોડ ઉપર પરશુરામ મંદીર સામે આવેલ રેલ્વે ટ્રેક ઉપર પડતુ મુકી આપઘાત કર્યો હતો. જે મામલે પરિણીતાના પતિ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટ, સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, દિયર રાહુલભાઈ મથુરાદાસ પોપટ અને નણંદ ચાંદનીબેન મીતેષભાઈ ઠકકર સામે ફરિયાદ નોંધાવી હતી કે, પરિણીતાને સંતાન ન થતા હોય તે બાબતે અવાર નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરી હતી.આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબીના સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા તેઓએ પતિ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારી છે.જ્યારે સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, દિયર રાહુલભાઈ મથુરાદાસ પોપટ અને નણંદ ચાંદનીબેન મીતેષભાઈ ઠકકરને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ આપ્યો છે.આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલ હતા.