મોરબીમાં તસ્કરો બેફામ બન્યા છે. અને હવે તેઓએ વિદ્યાનાંધામને ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોરબીનાં ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં છ તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબીનાં અક્ષરધામપાર્ક, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા અને સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં સેવા આપતા ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં ગત તા.૨૫/૧૨/૨૦૨૩ ના રાત્રીના સમયે ચોરી થઇ હતી. જેમાં સી.સી.ટી.વી.માં દેખાતા અજાણ્યા છ ચોર ઇસમો સ્કુલ બિલ્ડીમાં રાત્રી દરમ્યાન દિવાલ ટપી પ્રવેશ કરી સ્કુલ બિલ્ડીંગની મેનેજમેન્ટ ઓફીસની બારી તોડી મેનેજમેન્ટ ઓફીસમાં પ્રવેશ કરી ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ રૂ.૮૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ ગયા છે. ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.