હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી સીમમાં નર્મદા કેનાલ પર મૂકેલી પિયતની ૧૨ ઇલેક્ટ્રિક મોટરો એક જ રાત્રીના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરીને લઈ જવામાં આવી છે. ઘટનામાં ઈશ્વરનગર તથા સુસવાવના કુલ ૧૨ ખેડુતોને રૂ.૨,૨૫,૦૦૦/- જેટલું નુકસાન થયું છે. હાલ ચોરીની ઘટનાને લઈને બે ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકમાં અલગ અલગ બે ફરિયાદમાં આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના ખેડૂત લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા ઉવ.૬૫ તથા સુસવાવ ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ સોનગ્રા દ્વારા હળવદ પોલીસ મથકમાં અલગ અલગ બે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, સુસવાવ ગામની ગોરાસરી કહેવાતી સીમમાં ધાંગધ્રા બ્રાંચ નર્મદા કેનાલ ઉપર લગાવવામાં આવેલ અલગ અલગ ખેડૂતોની કુલ ૧૨ ઇલેકટ્રીક મોટર(દેડકો) તા.૧૩/૧૧ ની સાંજથી તા. ૧૪/૧૧ની સવાર સુધીમાં કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હતા. હાલ હળવદ પોલીસે કુલ ૧૨ ઇલેકટ્રીક મોટરો કિ.રૂ.૨,૨૫,૦૦૦/-ની ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









