માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામની સીમામાં આવેલી સરલા પર્ફોર્મન્સ ફાઈબર્સ લિમિટેડ બોમ્બેની પવનચકીમાંથી અજાણ્યા ચોરોએ તાળું તોડી અંદાજે ૬૪ મીટર જેટલો કોપર કેબલ કિ.રૂ.૨૩,૦૪૦/- કાપીને ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ માળીયા(મી) પોલીસ મથકે કેબલ ચોરી અંગે નોંધાયેલ ફરિયાદને આધારે, પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
માળીયા(મી) તાલુકાના કાજરડા ગામના રહેવાસી રમજાનભાઈ મુસાભાઈ કાજેડીયા ઉવ.૪૪ જે ડવ રિસોર્સિસ પ્રા. લી. સિક્યુરીટી કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી ખાખરેચી ગામની સીમ વિસ્તારમાં આવેલી ૧૦ પવનચકીઓ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે, તેમણે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૬ એપ્રિલ ૨૦૨૫ની રાત્રે તેઓ પવનચકી નં. એસએલપી-૩(પીવીકેએચ-૯) ઉપર આટો મારી ઘરે ગયેલા ત્યારબાદ બીજા દિવસે તા.૧૭ અપ્રિલના સવારે મેન્ટેન્સ કર્મચારી રવિકાંત યોગીનો ફોન આવતા ખબર પડી કે પવનચકીના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અજાણ્યા ચોરોએ પાવર સપ્લાયના કોપર કેબલ કાપી ચોરી કરી લઈ ગયા હતા. આ સાથે ફરિયાદી રમજાનભાઈ સ્થળ પર પહોંચ્યા ત્યારે દરવાજાનું તાળું તૂટેલું અને પવનચકી અંદર આશરે ૬૪ મીટર જેટલા કોપર કેબલ વાયર કિ.રૂ.૨૩,૦૪૦/- કાપી ચોરી કરી લઈ ગયા હતા. હાલ માળીયા(મી) પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.