વાંકાનેર તાલુકા પોલીસે ચોરી કરનાર તથા ચોરીનો મુદ્દામાલ રાખનારને કોપર વાયર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે આવેલા મિનરલ્સ કારખાનાના ક્વાર્ટરમાંથી કોપર વાયર સહિત રૂ.૧.૯૪ લાખની ચોરીના બનાવનો વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બાળી નાખેલા તાંબાના વાયરના ગુંચળા સહિત મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય, મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સૂચના મુજબ જીલ્લામાં થયેલા અનડીટેક્ટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવા સૂચના કરવામાં આવેલ, તે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે ભેરડા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગઈ તા.૬ માર્ચના સાંજે ૫ વાગ્યાથી ૭ માર્ચના સવારે ૮ વાગ્યા દરમિયાન ભેરડા ગામની સીમમાં આવેલા ગુરુકૃપા મિનરલ્સ નામના ગળદા બેલા પથ્થર પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા શખ્સોએ તાળા તોડી પ્રવેશ કરી અંદર રાખેલા આશરે ૮૦૦ મીટર કેબલ વાયર કિ.રૂ.૧,૮૬,૪૦૦/- તથા પાવર સપ્લાયના ૮ સ્ટાર્ટર કિ.રૂ.૮,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૧,૯૪,૪૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ અંગે નોંધાયેલા અનડીટેક્ટ ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી વાસુદેવભાઈ રમેશભાઈ દેગામા રહે.મકનસર મોરબી, મનજીભાઈ ઉર્ફે શક્તિભાઈ મંગાભાઈ થરેસા રહે.મકનસર મોરબી, કનૈયાલાલ મગનલાલજી રેગર રહે.હાલ સરતાનપર રોડ વાંકાનેર મૂળ રાજસ્થાન તથા ભેરૂલાલ માંગુલાલ ગુર્જર રહે.હાલ ઢુવા ચોકડી વાંકાનેર, મૂળ રાજસ્થાન વાળાને ઝડપી પાડ્યા હતા. તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી ૫૪ કિલો બાળી નાખેલા તાંબાના વાયરના ગુંચળા કબજે કર્યા છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.









