રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં ફટાકડા ફેંકી ભય ફેલાવ્યો.
મોરબીમા અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને યુવક અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ઉપરાંત, રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેના ઘરમાં સુતળી બોમ્બ ફેંકી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, આ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મોરબી શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં અગાઉની ફરિયાદનો ખાર રાખીને યુવક અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો તેમજ ઘરમાં ફટાકડા ફેંકી ડરાવવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેની ફરિયાદ મુજબ, જયભાઈ પ્રવીણભાઈ અંબાણી ઉવ.૩૨ રહે. પંચવટી સોસાયટી કન્યા છાત્રાલય પાછળ મોરબી વાળાએ આરોપી માધવ દિનેશભાઇ મકવાણા રહે. મોરબી કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી તથા અજાણ્યા બે એકટીવા ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તા. ૨૦/૧૦/૨૦૨૫ના રોજ રાત્રે તેમના ઘરમાં અચાનક મોટો ઘડાકો સંભળાયો હતો. જેથી બહાર આવી જોતા ઘર પાસે સુતળી બોમ્બ ફેંકાયેલો જોવા મળ્યો. ત્યારબાદ સી.સી.ટી.વી. ફૂટેજમાં ચેક કરતા એક્ટિવા પર બે અજાણ્યા વ્યક્તિઓ દેખાયા હતા, જેમાં પાછળ બેઠેલો વ્યક્તિ ઘરના દરવાજા તરફ ફટાકડો ફેંકતો જોવા મળ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે થોડા દિવસ પહેલાં તેઓએ ટંકારા તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
દિનેશભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી, જેનો ખાર રાખી, તા. ૧૮/૧૦/૨૦૨૫ની રાત્રે ફરિયાદી જયભાઈ પોતાના પરિવાર સાથે જતા હતા ત્યારે દિનેશભાઈનો પુત્ર માધવ સ્કોર્પિયો કારથી તેમનો પીછો કરીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આરોપી માધવે કહ્યું હતું કે “તમે મારા પપ્પા પર ફરિયાદ કરી છે, હવે તને અને તારા આખા પરિવારને જીવતા નહીં રાખું.” આ ઉપરાંત ફરિયાદી જયભાઈએ શંકા વ્યક્ત કરી છે કે દિનેશભાઇ ઉપર કરેલ ફરિયાદનો ખાર રાખી ઘરમાં ફટાકડા ફેકવાનું કૃત્ય દિનેશભાઈ ગગુભાઈ મકવાણા તથા તેના માણસો દ્વારા કરાયું હોઈ શકે છે. હાલ જયભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી માધવ દિનેશભાઈ મકવાણા તથા બે અજાણ્યા એક્ટિવા સવાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.