વાંકાનેરના અમિત કોટેચાની નિર્દયતાથી કરાયેલી હત્યા કેસમાં મોરબી સેસન્સ કોર્ટએ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ મૃતકના પરિવારને ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટનો આ ચુકાદો સમાજ માટે દાખલરૂપ ગણાવ્યો છે.
વાંકાનેરમાં અમરનગર સોસાયટીમાં રહેતા અમિતભાઈ અશ્વિનમાઈ કોટેચાની છરી અને ગુપ્તિના ૧૭ ઘા મારી હત્યા કરાઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ઇમરાન ફારૂક છબીબી અને ઇનાયત ઉર્ફે ઇમુ પીપરવાડિયાએ, સરફરાઝ હુશેનભાઈ મકવાણાના કહેવાથી આ હત્યાને અંજામ આપ્યો હતો. જે તે સમયે આ ઘટનાને લઈ શહેરમાં ભય અને રોષનું વાતાવરણ ફેલાયું હતું. ત્યારે આ હત્યા કેસની કાર્યવાહી દરમિયાન રાજ્ય સરકારે રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાને સ્પેશિયલ પીપી તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે ફરિયાદી પક્ષ તરફથી મોરબીના ધારાશાસ્ત્રી જીતેન્દ્રસિંહ (જીતુભા) જાડેજા વકીલ તરીકે જોડાયા હતા. ભગીરથસિંહ ડોડીયાએ કોર્ટમાં ૧૦ સાક્ષીઓની પૂછપરછ કરી અને મજબૂત પુરાવા સાથે કાયદાકીય દલીલો રજૂ કરી હતી. આ કેસમાં બંને પક્ષોની દલીલો અને પુરાવાને ધ્યાને લઇ મોરબી સેસન્સ કોર્ટના એડિશનલ જજ પંડ્યા સાહેબે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. સાથે જ મૃતકની પત્ની અને સંતાનને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. ચુકાદા બાદ મૃતકના ભાઈ હિમાંશુ કોટેચાએ ન્યાયપ્રણાલી, કાયદા પ્રણાલી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો