સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસમાં થાર કાર દ્વારા ગેર કાયદેસર પ્રવેશી ફરિયાદી પર જીવલેણ હુમલો કરી ફાયરીંગ કરવામાં આવ્યું હતું.જે બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક ધોરણે ત્રણ આરોપીને પકડી રિમાન્ડ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
સુરેન્દ્રનગર રોડ પર ધ્રાંગધ્રાના ફરિયાદી રાજાભાઈ ખોડાભાઇ ભરવાડે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રાના પ્રકૃતિ કુંજ ફાર્મ હાઉસ ખાતે રહે છે જ્યાં રાજદીપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા અને અન્ય ઈસમ દ્વારા મોડી રાત્રીના સમયે ફાર્મ હાઉસની અંદર થાર કાર નં. GJ 13 CD 300 લઈ ગેર કાયદેસર ફાર્મ હાઉસમાં ધૂસી દરવાજાને નુકશાન પહોંચાડી જીવલેણ હુમલો કરી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાશી છુટતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.જેને લઇને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી રાજદીપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા અને કુલદીપસિંહ દશરથસિંહ ઝાલાની અટકાયત કરી છે.જેમાં રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસાના ગુન્હામાં જેલ ભોગવી ચૂક્યો છે તેમજ અન્ય ગુન્હાઓ પણ તેના વિરૂદ્ધ નોંધાયેલા છે.ત્યારે હાલ ત્રણેય આરોપીને પકડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.