મોરબીના બેલા રંગપર ગામની સીમમાં આવેલ દુકાનમાં એલસીબીએ દરોડો પાડી ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી લેવામાં આવ્યા છે જ્યારે એક કુખ્યાત મહિલા સહિત ત્રણ આરોપીઓના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલ.સી.બી.ટીમને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં આવેલ સીસમ કારખાનાની સામે દુકાનમાં અમુક માણસો દેશી દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ૨૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૫,૦૦૦/-ના જથ્થા સાથે આરોપી તૌફીક ઉર્ફે તોફલો ગુલામહુસેન સુમરા ઉવ-૩૦ રહે. મોરબી વીશીપરા કુલીનગર-૧, સાગર જગદીશભાઇ પંડયા રહે. મોરબી રણછોડનગર તથા આરોપી ઇરફાન વલીમામંદ કટારીયા ઉવ-૨૨ રહે.મોરબી વીશીપરા કુલીનગર-૧ની અટક કરવામાં આવી હતી.
પકડાયેલ ત્રણેય આરોપીઓની સઘન પૂછતાછમાં દેશી દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા જેમાં આરોપી અનવર ગુલામહુસેન સુમરા રહે.મોરબી વીશીપરા કુલીનગર, મહિલા આરોપી યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા રહે.મોરબી શોભેશ્વર રોડ તથા આરોપી ઇકો ગાડીનો ચાલકના નામ ખુલતા તે ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી એલસીબી પોલીસે કુલ ૬ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે.