ડુપ્લિકેટ ઓઇલ(યુરીયા) વેચાણના રેકેટનો પર્દાફાશ:૧૪ ડોલ, ૨૦૦ લીટર DEF યુરીયા અને નોઝલ સાથે રૂ.૨૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેરમાં નકલી TATA DEF ઓઇલ(યુરિયા)નો જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં વાંકાનેરના રાણેકપર તેમજ વઘાસીયામાં કુલ ત્રણ વેપારીઓની દુકાનમાં TATA DEF કંપનીના જવાબદાર અધિકારીઓને સાથે રાખી રેઇડ કરતા નકલી TATA DEF ઓઇલ(યુરિયા)નો જથ્થા સાથે ત્રણ વેપારીની ધરપકડ કરવામાં આવી છે.
વાંકાનેરમાં TATA DEF ઓઇલ (યુરીયા) કંપનીના ડુપ્લિકેટ ઉત્પાદનના વેચાણ અંગે મળેલી માહિતીના આધારે ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના તપાસણી અધિકારીઓ અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે રાણેકપર ગામ અને આસપાસના વિસ્તારોમાં રેડ કરી હતી. જેમાં રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ રામદેવ એન્ટરપ્રાઈઝમાં તપાસ દરમિયાન ડુપ્લિકેટ TATA DEF યુરીયાના 20 લીટરની 10 ડોલ મળી આવી હતી, આ સાથે આરોપી દીપકકુમાર રામબહાદુર કશ્યપ ઉવ.૨૬ રહે.બીજલીપુર પોસ્ટ(યુ.પી) હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ રામદેવ એન્ટર પ્રાઇઝ યુરીયા નામની આવેલ કેબીનમાં તા.વાંકાનેર નામના વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે રાણેકપર ગામમાં જુની માલધારી (ગોપાલ) હોટલના કંપાઉન્ડમાં તપાસમાં ૨૦ લીટરની ૪ ડોલ મળી આવી જ્યાંથી આરોપી ફુઆરામ મુલારામ જાટ ઉવ.૨૧ રહે.પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ(રાજસ્થાન) હાલ રહે.રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ ગોપાલ હોટલ તા.વાંકાનેર નામના વ્યક્તિને ડુપ્લિકેટ માલ સાથે પકડી પાડવામાં આવ્યો.
આ સિવાય કયુટોન સીરામિક નજીક નેશનલ મોટર્સમાં ૧,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટાંકી મળી આવી હતી, જેમાંથી એક ટાંકી ખાલી હતી અને બીજીમાં આશરે ૨૦૦ લીટર DEF યુરીયા ભરેલું હતું. આ જગ્યાથી રાજુભાઇ ભીમાભાઇ ઓળકીયા ઉવ.૨૭ રહે. સમઢીયાળા તા.વાંકાનેરને ઝડપી લેવામાં આવ્યો હતો, વાંકાનેર સીટી પોલીસે ત્રણ સ્થળોએથી કુલ ૧૪ ડોલ (કુલ રૂ.૧૪,૦૦૦), ૨૦૦ લીટર DEF યુરીયા (કુલ રૂ. ૧૦,૦૦૦), પાઈપ નોઝલ (રૂ. ૧,૦૦૦), ટાંકી (રૂ.૨,૦૦૦) સહિત કુલ કિ.રૂ.૨૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ સમગ્ર રેડ દરમિયાન TATA DEF યુરીયાના ડુપ્લિકેટ સ્ટીકરો સાથેના બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તમામ માલ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.