હળવદ તાલુકામાં હાલ તસ્કરોએ માઝા મૂકી હોય તેમ વાડી-ખેતરે બાંધેલ પાલતુ પશુઓની ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં નવા રાતાભેર ગામની સીમમાં અલગ અલગ ત્રણ સ્થળેથી ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી કરી અજાણ્યા ચોરોએ રીતસરનો તરખાટ મચાવ્યો છે.
મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરીયા ઉવ.૩૭ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા પશુ ચોર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદી મુકેશભાઈની નવા રાતાભેર ગામની સામે ખેતીની જમીનમાં ખેતી તથા પાલતુ ભેંસો બાંધી ત્યાંજ નિરણ-પાણી કરતા હોય ત્યારે ગત તા.૦૯/૧૨ થી ૧૦/૧૨ ના રોજ સવાર દરમિયાન વાડી-ખેતરેથી બે ભેંસો અને એક પાડી પૈકી એક ભેંસ અને પાડી કોઈ અજાણ્યા ચોર ઈસમ લઈ ગયા હતા, જ્યારે ફરિયાદીની બાજુમાં આવેલ ખેતરે અન્ય ખેડૂત અરજણભાઈ સોમાભાઈ ઇન્દરીયાની એક ભેંસ બાંધેલ હોય તે તેમજ વાઘજીભાઈ સવશીભાઈ કુંણપરાના વાડી-ખેતરેથી એક ભેંસ એમ કુલ ત્રણ ભેંસ અને એક પાડી જેની અંદાજીત કિ.રૂ.૧ લાખ ની ચોરી કરી લઈ ગયા હતા. હાલ હળવદ પોલીસે અજાણ્યા પશુ-ચોર આરોપીઓ સામે ગુનો નોંધી, આરોપીઓને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









