મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલની સુચના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં આગામી તહેવાર દરમ્યાન ઇંગ્લીશ દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ આવી પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા ટંકારા પોલીસ દ્વારા ટંકારાના ખીજડીયા ગામની સીમમાં જુગારની રેઈડ કરવામાં આવી હતી. જુગાર રમતા ત્રણ આરોપી ઝડપાયા હતા. જયારે બે આરોપીઓ પોલીસને આવતી જોઈ નાશી જતા ટંકારા પોલીસે તમામ વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ખીજડીયાથી ઘુનડા જતા રસ્તે ખેતરના એકઢાણીયાની દીવાલ પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળકુંડાળુ કરી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઈડ કરતા નરેશભાઇ મોહનભાઇ માણસુરીયા, મહાદેવભાઇ કાનજીભાઇ મગુનીયા, નીતીનકુમાર મનુભાઇ પનારાને રોકડ રૂ.૬૮,૭૦૦/- તથા ૦૫ મોબાઇલ ફોનનાં રૂ.૨૨,૦૦૦/- મળી કુલ રૂ. ૯૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. જયારે બીપીનભાઇ ઠાકરસીભાઇ પટેલ તથા જયેશભાઇ મનસુખભાઇ પ્રજાપતી નામના શખ્સો રેઇડ દરમ્યાન નાશી જતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.