મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં અકાળે મોતના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર, મોરબી સરકારી હોસ્પિટલમાં ગઈકાલે એક યુવકનું મોત નીપજ્યું હતું. જે અંગે મોરબી સરકારી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, અજાણ્યો યુવક કોઈ બીમારી સબબ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેને લઈ ડો એન.એન.રૂપાલા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી અને યુવકના પરિવારજનોને ગોતવા અપીલ કરી હતી.
જયારે અન્ય બનાવમાં રાપરના કાનમેર ખાતે રહેતા બાબુભાઇ ભરવાડનો ૧૪ માસનો દીકરો ધવલ ગત તા.૩૦/૧૨/૨૦૨૨ ના ૧૧/૦૦ વાગ્યાની આસપાસ મોરબી લીલાપર રોડ યદુનંદન ગૌશાળા મચ્છુ નદી પાસે સાયકલ પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ તેને પ્રાથમિક સારવાર માટે પ્રથમ ધનપુર મીત ચીલ્ડ્રન હોસ્પીટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરાયો હતો. જેનુ ચાલુ સારવાર દરમ્યાન ગત તા.૦૨/૦૧/૨૦૨૩ ના રોજ મોત નીપજ્યું હતું,. જેને લઇ ફરજ પર હાજર ડોક્ટરે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. જયારે બીજી બાજુ, રામજીયાણી શેરી ગ્રીનચોક મોરબી ખાતે રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ ભુપતભાઇ અમરશીભાઇ ઝારીયા ગઈકાલે પોતાના ઘરની બહાર નીકળતા ઉબરા પાસે ચક્કર આવતા પડી ગયેલ હોય જેને લઇ ત્યા આડોસી પાડોસીઓ આવી ગયેલ અને તેમને રીક્ષામાં બેસાડી મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. અને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.