મોરબીમાં એક બાદ એક આપઘાતના તથા અકસ્માતે મોતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે બે ગળેફાંસો ખાઇ આપઘાતના તથા અકસ્માતે મશીનની વચ્ચે દબાઈ જવાથી મોતનો એક એમ કુલ ત્રણ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવમાં, મોરબીમાં કુબેરનગર શેરી નં -૧ ખાતે રહેતા મનદીપભાઇ મેહુલભાઇ ચૌહાણ નામના કિશોરે ગઈકાલે સાંજના સમયે કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઇ જતા તેના પરિવારજનોએ તેને સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતી અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મહિલાના પતિએ તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી છે.
ત્રીજા બનાવમાં, મોરબીના ભડીયાદ ગામની સીમ ડેલ્ટા ટાઇલસ ઇન્ડીયા એલ.એલ.પી કારખાનાની ઓરડીમા રહેતી કલાબાઇ માંગીલાલ મેવાડા નામની મહિલા ગત તા.૧૩/૦૨/૨૩ના રોજ ભડીયાદ ગામની સીમમાં આવેલ ડેલ્ટા ટાઇલસ ઇન્ડીયા એલ.એલ.પી નામના કારખાના માટી ખાતા વિભાગમાં ફાઇનલ ટેન્કની ઉપર મજુરી કામ ઉપર હતા. ત્યારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યા પહેલા કોઇ પણ સમયે ટેન્ક નં-૪ ની ઉપર આવેલ સ્ટરર મોટર કપલ તથા તે મોટર મુકવાનુ લોખડનુ સ્ટેન્ડ આવેલ તેની વચ્ચે અકસ્માતે ફસાઇ દબાઇ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.