મોરબીમાં ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યા હોવાનું પોલીસ મથકોમાં નોંધાયું છે. જેમાં મોરબીના શનાળા રોડ ખાતે રહેતી પરણિત યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું તો મોરબીનાં શનાળા રોડ પાસે બનતી નવી કોમર્શીયલ બિલ્ડિંગમાં પાણી છાંટતી વેળાએ બીજા માળેથી પડી જતા યુવતીનું મોત નીપજ્યું હતું. તેમજ મોરબી માળીયા હાઈવે ઓવરર્બ્રીજ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા અકાળે મોતની નોંધ કરાઈ છે.
પ્રથમ બનાવમાં, મોરબી ભેખડની વાડી છોટાલાલ પેટ્રોલપંપ સામે શનાળા રોડ ખાતે રહેતા ચંન્દ્રીકાબેન ચંન્દ્રકાંતભાઈ પરમાર નામની ૨૩ વર્ષીય પરણિત યુવતીએ ગઈકાલે બપોરના સમયે ભેખડની વાડી છોટાલાલ પેટ્રોલપંપ સામે શનાળા રોડ ખાતે આવેલ પોતાના પતિના ઘરે પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જતા તેને મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડાઇ હતી. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, નેપાળના જુગાટા ગામે રહેતી અને મોરબી શનાળા રોડ શુભ હોટલ સામે જી.આઈ.ડી.સી.ના નાકે મજૂરી કામ કરતી પાર્વતીકુમારી રામબહાદુર શાહ નામની યુવતી કોમર્શીયલ ચાર માળની બીલ્ડીંગ નવા બાંધકામનું કામ ચાલુ હોય અને યુવતી બીજા માળે બાલ્કનીમાં મારબલ પટ્ટીઓ લગાવેલ હોય તેમાં પાણીની નળીથી પાણી છાંટતી વખતે પોતાનો પગ લપશી જતા યુવતી બીજા માળેથી નિચે પટકાઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
ત્રીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસને ગઈકાલે બપોરના સમયે ફોન કરી કોઈ અજાણ્યા શખ્સે જણાવેલ કે મોરબી માળીયા હાઈવે ઓવરર્બ્રીજ પાસે એક મહિલા બેભાન હાલતમાં પડેલ છે. જેને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મહિલાને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.