મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી તાલુકામાં રહેતી મહિલાનું બોલતા બોલતા અચાનક બેભાન થઇ જતા અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. તેમજ વાંકાનેરની એક વૃદ્ધાનું કુદરતી કારણોસર રોડ પર બેભાન થઇ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે બીમારીથી કંટાળી માળીયા મીં.નાં વૃધ્ધે એસીડ પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાનાં ખારગીલ સીરામીક પાનેલી રોડ ખાતે રહેતા વર્ષાબેન લક્ષ્મણભાઈ ગઈકાલે બોલતા બોલતા અચાનક બેભાન થઈ જતા તેમના પતી લક્ષ્મણભાઈ દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરનાં ધીયાવડ ખાતે રહેતા બદરે આલમ તમીજુદ્દીન નામની વૃધ્ધાને વાંકાનેર દાઝી ચેમ્બર સામે કુદરતી કારણોસર રોડ પર બેભાન થઇ જતા તેમને અબ્દુલ કાદીર દ્વારા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ વૃધ્ધાનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, માળીયાનાં સરવડ ગામે રહેતા જેરામભાઇ લક્ષ્મણભાઇ સરડવા નામના વૃધ્ધને ફેફસાની બિમારી હોય આ બિમારીથી કંટાળી જઇ તેઓએ પોતાના ઘરે પોતાની મેળે ગત તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ એસીડ પી લેતા તેમને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.