મોરબીમાં આપઘાત તથા અકસ્માતે મોતના ગઈકાલે ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક શખ્સનું બાટલો ફાટતા તો અન્ય એક યુવકનું માટીના ઢગલામાં ફસાઇ જતા મોત નીપજ્યું છે. જયારે એક પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો છે.
પ્રથમ બનાવમાં, મોરબીના લાલપર ગામે રહેતા સલમાન ચાંદબાબુ ખાનને ગઈકાલે ગુંગળ રોડના પાટીયે સવારના ૦૮/૫૦ વાગ્યે ગેસનો બાટલો ફાટતા ઈજા પહોંચી હતી. જેના કારણે તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં પ્રવીણભાઇ કાનાભાઇ પટેલની વાડીમાં રહેતી સુમનબેન શ્યામભાઇ આદિવાસી નામની પરિણીત મહિલાએ ગઈકાલે બપોરના સમયે કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમા અર્ધબેભાન હાલતમાં સારવારમાં દાખલ કરવામાં આવી હતી. જે ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીમાં પાવડિયારી કેનાલ પાસે રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં રહેતા દુર્ગાપ્રસાદ નાથુરામ માલવીયાનું ગઈકાલે પાવડિયારી કેનાલ પાસે રોઝલેન્ડ મિનરલ્સ કારખાનામાં કોઈપણ કારણોસર માટીના ઢગલામાં ફસાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે સ્થળ પર હાજર લોકોએ બનાવ અંગે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી હતી.