મોરબીમાં ગઈકાલે વધુ ત્રણ અકાળે મોતના બનાવો વિવિધ પોલીસ મથકમા પોલીસ ચોપડે નોંધાયા હતા. જેને લઈ ચકચાર મચી જવા પામ્યો છે.
પ્રથમ બનાવમાં, મોરબીમાં વાઘપરા શેરી નં.૧૨ ઠાકર લોજ પાછળ રહેતી મોનિકાબેન ધરમેશભાઈ સાકડેચાને આશરે આઠેક માસ જેટલો ગર્ભ હોય જેના લીધે પેટમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી આશીર્વાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, માળીયા મી.નાં જ્ઞાનનગરી વવાણીયા ખાતે રહેતા ગુલામભાઇ ગનીભાઇ પઠાણ નામના યુવકને ગઈકાલે લજાઈ નજીક નવા બનતા કારખાનામાં મજૂરી કામ કરવા જતા અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. જેને લઈ તેને તાત્કાલિક મોરબી આયુષ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર દર્શન પરમારે યુવકને જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ હતો અને સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબીમાં ખારગીલ સીરામીક પાનેલી રોડ ખાતે રહેતી વર્ષાબેન લક્ષ્મણભાઈ નામની પરણિત મહિલા ગત તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ બોલતા બોલતા અચાનક બેભાન થઈ જતા તેમના પતી લક્ષ્મણભાઈ દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે પરિણીતાને જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.