મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતે મોતનાં બનાવો વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે અકાળે મોતના ત્રણ બનાવો નોંધાતા મોરબી જીલ્લાવાસીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, મોરબીમાં એફિલ સિરામિક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા ચંદનકુમાર રામચંદ્ર માંજી નામના યુવકનું ગઈકાલે પોતાના પત્ની કુમારી સાલગે સાથે પોતાના દેશમાં ઘેર જવા બાબતે સામાન્ય બોલાચાલી થતા ચંદનકુમાર રામચંદ્ર માંજીને લાગી આવતા તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
જયારે બીજા બનાવમાં, મોરબીના રંગપર ખાતે રહેતા દિલિપસિંહ સજુભા ઝાલા નામના આધેડ પોતાના ઘરે બાથરૂમમા પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. જેથી તેમને મૃત હાલતમા મોરબી સરકારી દવાખાને ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.
જયારે ત્રીજા બનાવમાં હળવદનાં માલણિયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભાની વાડીએ રહેતી ૨૫ વર્ષીય અસ્મિતાબેન રણજીતભાઇ ગરાસીયાએ કોઇ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે આવેલ વઢવાણની મહર્ષિ હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં તેની હાલત નાજુક જણાતા ત્યાંથી ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી અને ત્યાંથી સર્વોદય હોસ્પિટલ ગોધરા ખાતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. જે મામલે હળવદ પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.