મોરબી શહેરના શ્યામપાર્ક વિસ્તાર, ત્રાજપરની નીલકંઠ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તાર ધુળકોટ ગામમાં ત્રણ અલગ-અલગ અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. ત્યારે ત્રણેય મરણ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ તા.૨૬ નવેમ્બરના રોજ ત્રણ જુદા જુદા અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં મગનભાઈ રામભાઈ સોઢીયા ઉવ ૪૦ રહે. શ્યામપાર્ક-૧ પંચાસર રોડ મોરબીવાળા પોતાના રહેણાંક મકાનમાં હોય ત્યારે અચાનક આચકી ઉપડતા બેભાન થઈ ગયા હતા. તેમને તરત લાઇફલાઇન હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાંથી રાજકોટ માટે એમ્બ્યુલન્સ મારફતે રવાના થયા દરમિયાન શનાળા ગામ નજીક તેમની તબિયત બગડતા મોરબી સરકાર હોસ્પિટલ પરત લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અમૃત્યુનો બીજો બનાવ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. જેમાં સુરજભાઈ રાજુભાઈ મેસરીયા ઉવ.૨૫ રહે.નીલકંઠ સોસાયટી ત્રાજપર મોરબી વાળાએ અજાણ્યા કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા, બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા ગોરધનભાઈ વિરસીંગભાઈ વાઘેલા ઉવ.૬૦ નામના વૃદ્ધ ધુળકોટ અને આમરણ વચ્ચેના રસ્તે ચાલતા ચાલતા અચાનક બેસી ગયા હતા અને ત્યાં જ તેમનું મરણ થયું હતું. ત્યારે તેમની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક માહિતી મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









