મોરબી: નારી સશક્તિકરણ, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા મોરબીમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર સુધી એલ.ઈ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી સશક્તિકરણ તેમજ “ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી”ની નેમ સાથે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અને દેશની પ્રત્યેક વ્યક્તિ રોજિંદા જીવનમાં સ્થાનિક તથા સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવ્યું છે. વડાપ્રધાનની વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને સાકાર કરવા દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વિચારધારાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને મહિલા લક્ષી ઉદ્યોગો તથા કામગીરીને વધુ ઉત્તેજન મળે તે હેતુથી તા. ૧૧/૧૨/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબીમાં તા. ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ વ્યવસાયિકોને પોતાનો વિકાસ કરવાની અને તેમના સ્થાનિક તથા સ્વદેશી ઉત્પાદનોને યોગ્ય બજાર ઉપલબ્ધ થાય તેવું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ સશક્ત નારી મેળો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા તેમજ સ્વદેશી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે. સાથે સાથે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં મહિલાઓની સક્રિય આર્થિક ભાગીદારીને પણ સુનિશ્ચિત કરશે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા આયોજિત આ સશક્ત નારી મેળાનો વધુમાં વધુ લાભ લેવા અને મહિલા કારીગરોના રોજગારી સર્જન તથા આર્થિક ઉત્કર્ષમાં સહભાગી બનવા મોરબી જીલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.









