મોરબી તાલુકામાં એક જ દિવસે અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં હંજીયાસરના યુવકનું મકનસર ગામે બાંધકામ દરમ્યાન ત્રીજા માળેથી પડી જવાથી, નાની વાવડીના આધેડે ઝેરી દવા પી જતા તેમજ મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. ત્રણેય મામલાઓમાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકામાં ગઈકાલ તા.૨૦/૦૯ ના રોજ ત્રણ અલગ અલગ ગામે અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ લોકોના મોત નિપજ્યા અંગે મળતી માહિતી મુજબ, માળીયા(મી)ના હંજીયાસર ગામના ગફુરભાઇ અબ્દુલાભાઇ જેડા ઉવ.૩૫ ગઈકાલ બપોરના અરસામાં મકનસર ગામે શાળાના બાંધકામમાં કામ કરતા હતા ત્યારે ત્રીજા માળેથી પડી જતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં નાની વાવડી ગામના રાજેશભાઇ નારાયણભાઇ મિયાત્રા ઉવ.૪૩ એ પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં, લખધીરપુર રોડ ઓમેન વીટ્રીફાઇડ લેબર કોલોનીમાં રહેતા રૂપેશકુમાર પ્રવેશકુમાર ઉવ.૧૫ મચ્છુ-૨ ડેમ પાસે પાણીમાં પડી જતાં ડૂબી ગયા હતા. તેમની લાશ ડેમના કાંઠે મળી આવતા પોલીસે અ.મોત નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અપમૃત્યુના ત્રણેય બનાવમાં મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.